ભારત પાસે 155 મિલિયન હેક્ટરથી વધુ (અમેરિકા, ચીન અને બ્રાઝિલ સહિત) વૈશ્વિક સ્તરે સૌથી વધુ ખેતીલાયક જમીન છે અને તે વિશ્વના મુખ્ય કૃષિ ઉત્પાદકોમાંનું એક છે. 2019 માં, કૃષિ ક્ષેત્રે આશરે 19 લાખ કરોડ રૂપિયા (265 અબજ અમેરિકન ડોલર) નો વ્યવસાય કર્યો હતો જે ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ના 18% જેટલો થાય છે અને ભારતની અડધીથી વધુ વસ્તીને રોજગારી આપે છે. જો કે, આ ક્ષેત્રમાં ઓછી ઉત્પાદકતા (આશરે 3 ટન/હેક્ટર), બિન આર્થિક જમીનનું કદ (<2 એકર), ઉપયોગમાં લેવામાં આવતા ઉત્પાદનોની ઓછી કાર્યક્ષમતા, ઊંચું જૈવિક નુકસાન તથા યાંત્રિકરણનું નીચું સ્તર જેવા માળખાકીય પડકારો છે.
ભારતે વિશ્વમાં ટોચનું કૃષિ ઉત્પાદક બનવાની મહત્વાકાંક્ષા પૂરી કરવાની સાથે ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા અને તમામ ખેડૂતોને બજારની માહિતી ઉપલબ્ધ કરાવવા માટે કૃષિ ક્ષેત્રે અત્યાધુનિક ડિજિટલ અને ચોકસાઇવાળી કૃષિ ટેક્નોલોજી અપનાવવાની તાત્કાલિક જરૂરિયાત છે.
ડ્રોન એક એવી ટેકનોલોજી છે જે પાકની જરૂરિયાત અનુસાર દવાના ચોક્કસ અને કેન્દ્રિત છંટકાવ દ્વારા વાપરવામાં આવતી દવાઓની કાર્યક્ષમતામાં અને ખેડૂતોની સુરક્ષામાં સીધો વધારો કરીને ખેતીની એકંદર કિંમત ઘટાડીને ખેતી ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે.
ચીન, જાપાન, આસિયાન, યુએસએ અને બ્રાઝિલ જેવા ઘણા કૃષિ ઉત્પાદન કરતાં દેશો ખેતીમાં ડ્રોનનો ઉપયોગ ઝડપથી અપનાવી રહ્યા છે અને કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઇ) દ્વારા સંચાલિત ડ્રોનના ઉપયોગને વેગ આપવા માટે નિયમનકારી અને માળખાકીય વિકાસ બંનેને પ્રાથમિકતા આપી છે. ઉદાહરણ તરીકે, ચીનમાં ડ્રોન કૃષિ ક્રાંતિને આગળ વધારી રહ્યા છે. એક્સએજીના સંશોધન અનુસાર "ચીનમાં ખેત પેદાશોની ઉપજના સંચાલન માટે ડ્રોનના ઉપયોગ બાદ ખેતીની ઉપજમાં 17-20 ટકા સુધારો થયો છે”. તેનું ડ્રોન બજાર 13.8 ટકાના સીએજીઆર (સંયુક્ત વાર્ષિક વૃદ્ધિ દર) પર વૃદ્ધિ કરી રહ્યું છે. આમ, ચીનના ખેતરો પર દરરોજ 42,000 ડ્રોન 1.2 મિલિયનથી વધુ ઉડાનો ભરી રહ્યાં છે.
ડ્રોન અને ચોકસાઈપૂર્વક કૃષિ
એકંદર ઉત્પાદકતા, ગુણવત્તા અને ઉપજમાં સુધારો કરવા માટે ચોકસાઈપૂર્વક કૃષિ એ ખેડૂતો માટે પાણી, ખાતર અને કીટનાશકોની કાર્યક્ષમતા વધારવાનો એક માર્ગ છે. કેટલીક સમસ્યાઓ જે ખેતરમાં નરી આંખે સ્પષ્ટ નથી થતી તે ડ્રોનનો ઉપયોગ કરીને સ્પષ્ટ થઈ શકે છે.
ડ્રોન ખેડૂતોને અનેક રીતે ખેતીમાં આવતા પડકારો સામે મદદ કરે છે:
- જમીન અને ખેત આયોજન: ડ્રોનનો ઉપયોગ સિંચાઈ, ફળદ્રુપતા અને પોષક તત્વોનું પ્રમાણ, ભેજની સાંદ્રતા અને ધોવાણ જેવી વાવેતર પ્રવૃત્તિઓ માટે જમીન અને ખેતરના વિશ્લેષણ માટે કરી શકાય છે.
- પાકની દેખરેખ: ડ્રોન સતત અને સાતત્યપૂર્ણ રીતે પાકનું નિરીક્ષણ કરી શકે છે, જે પાક પર વિવિધ જૈવિક અને અજૈવિક તણાવની અસરને ઘટાડવા માટે ક્રિયાઓ શરૂ કરી શકે છે. આવા નિરીક્ષણ દ્વારા એકઠી કરવામાં આવેલ માહિતીનો ઉત્તમ ઉપયોગ કરવા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેતરને અનુરૂપ કૃષિશાસ્ત્રને મદદ કરી શકે છે.
- નીંદણ, કીટકો અને રોગોથી પાકની સુરક્ષા: ડ્રોન કીટનાશકો, નીંદણનાશકો અને રોગ નિયંત્રણ દવાઓની યોગ્ય માત્રાની ખાતરી કરી ચોક્કસ માત્રામાં ઉત્પાદનો છાંટવામાં સક્ષમ છે, છંટકાવ કરનારને દવાના આકસ્મિક સંપર્કમાં આવવાથી બચાવે છે, દવાઓની એકંદર અસરકારકતામાં સુધારો લાવે છે અને તેથી ઉત્પાદકો વધુ ઉત્પાદન મેળવી શકે છે.
- ઉત્પાદકતા: ડ્રોન કૃષિના કામમાં, જેમ કે દવા કે ખાતરનો છંટકાવ, વગેરેમાં શ્રમિકોનું ભારણ નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે અને પ્રતિ દિન વધુ પાકને આવરી શકે છે. આ ખેડૂતો માટે ખેતી નોંધપાત્ર રીતે સરળ બનાવશે, જે આ બચેલ સમયનો ઉપયોગ અન્ય કાર્યો તથા જૈવિક પડકારોનો ઝડપથી નિકાલ કરવા માટે કરી શકે છે.
- નવા સેવા મોડેલ: માહિતી એકઠી કરવા અને દવાઓના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ એક નવું સેવા મોડેલ ઊભું કરી શકે છે, જેમાં પાક માટેના ઉત્પાદનો બનાવતી સંસ્થાઓ ડ્રોન સંચાલકો તથા અન્ય મૂલ્યવર્ધક હિસ્સેદારો સાથે જોડાઈને ખેડૂતોને પાકની રક્ષા/પોષણ માટે સશુલ્ક સેવા આપી શકે છે.
ડ્રોન મારફતે રોજગારની તકો ઊભી કરવી
ડ્રોનના ઉપયોગ માટે ખાસ આવડત હોવી જરૂરી હોવાથી તાલીમ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રોજગાર પેદા કરી શકાય છે. એક અંદાજ મુજબ આ આધુનિક ટેક્નોલોજી ગ્રામીણ વિસ્તારોમાં 2.1 મિલિયન લોકો માટે રોજગારની તકો ઊભી કરશે.
ડ્રોનને અસરકારક રીતે અપનાવવા માટે હાલના પડકારોનો સામનો કરવો
ડ્રોનને અસરકારક રીતે અપનાવવા માટે ઘણા પડકારો છે જેમનો ઉકેલ લાવવો જરૂરી છે.
- નિયમનકારી માળખું: ડ્રોનની કામગીરીની દેખરેખ રાખવા માટે નિયમનકારી માળખું હજી નિર્માણ પ્રક્રિયામાં છે. માન્ય કીટનાશકો (કે જેનો ઉપયોગ ડ્રોન દ્વારા છંટકાવ માટે થઈ શકે છે) પર મંજૂર લેબલ દાવાઓના વિસ્તરણની પરવાનગી માટે માર્ગદર્શિકાઓની ઝડપી રચના ખેડૂતોના ખેતરોમાં કીટનાશકોના છંટકાવમાં ડ્રોનને અપનાવવામાં મદદરૂપ બનશે.
- ઉડાનનો મર્યાદિત સમય અને વિસ્તાર: કૃષિ હેતુઓ માટે ડ્રોનના ઉપયોગના ફાયદાઓની સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ છે. વધારે વજનને સાથે હોવાને કારણે ડ્રોન સામાન્ય રીતે 20-60 મિનિટ સુધી ઊડી શકે છે. આ ચાર્જિંગ દીઠ મર્યાદિત ક્ષેત્રને આવરે છે અને ડ્રોનને ચલાવવાના ખર્ચમાં વધારો કરે છે. કૃષિ પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતા ડ્રોનને વધુ અનુકૂળતા પૂરી પાડવા માટે સૌથી ઓછું વજન ધરાવતી ઉચ્ચ શ્રેણીની બેટરી વિકસાવવા માટે ચાલી રહેલ સંશોધનને સરકારી સહાયને કારણે વેગ મળવો જોઈએ.
- આર્થિક દૃષ્ટિએ વ્યાજબી વ્યાવસાયિક મોડેલ: ડ્રોન ખરીદવા, જોડાણો સ્થાપવા અને તેના વપરાશને લગતા શરૂઆતના ખર્ચને તથા નાના ખેતરોને ધ્યાનમાં રાખીને સરકારના પ્રોત્સાહન દ્વારા એક સક્ષમ મોડેલ વિકસાવવાની જરૂર છે જે તેના સંચાલકોને તાલીમ સહિત હાર્ડવેર અને સોફ્ટવેરના સાધનો માટે રોકાણ લાવી શકે.
ગ્રામીણ ભારત માટે આગળ શું?
ખેડૂતોને તેમના ખેતરો અને સંસાધનોને બહેતર અને વધુ ટકાઉ રીતે સંચાલિત કરવામાં મદદ કરીને ડ્રોન ભારતીય કૃષિમાં પરિવર્તન લાવવાની મોટી ક્ષમતા ધરાવે છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે ડ્રોન ઉત્પાદકોને તેમની કામગીરી અને તાલીમ કેન્દ્રો ઝડપથી ઊભા કરવા તથા ખેતીમાં જરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરતી સંસ્થાઓ સાથે, અનુપાલનનો ઓછો ખર્ચ થાય તે રીતે, જોડાણ કરવા માટે આર્થિક પ્રોત્સાહન આપવાની જરૂર છે. ડ્રોન અને સંબંધિત સેવાઓ ખરીદવા માટે ખેડૂતોને સીધી સબસિડી પણ આપી શકાય છે.
ડ્રોન માટે નોંધણી, સંપાદન અને તેની કામગીરી તથા તેના વપરાશકર્તાનું કાર્ય સુરક્ષિત અને સરળ બને તે રીતે અપનાવવા માટે ઉત્પાદન પ્રબંધનના વ્યાપક મુદ્દા પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
ભારતમાં ડ્રોનનો ઉપયોગ ખૂબ જ શરૂઆતી તબક્કામાં છે, પણ ભારત આગામી કૃષિ ક્રાંતિ માટે ડ્રોનના લાભો મેળવવા તૈયાર છે.