મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

મહિલાઓને કૃષિ અને સંબંધિત વ્યવસાયોમાં નેતૃત્વ સંભાળવાની ભૂમિકાઓ લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ

ઇતિહાસ પર નજર કરીએ તો, મહિલાઓએ દેશની વૃદ્ધિ અને લાંબા ગાળાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ઘણીવાર વિકસિત અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન માનવામાં આવેલ છે.



ભારત, મુખ્યત્વે એક કૃષિપ્રધાન અર્થવ્યવસ્થા હોઇ, મહિલાઓ ખેતરોમાં પુરુષો સાથે ખભે ખભા મિલાવીને કાર્ય કરતી આવી છે. આર્થિક વિકાસ અને રોજગારની નવી તકોને કારણે પુરુષોનું ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરો તરફ સ્થળાંતર વધી રહ્યું છે, જે ખેતીમાં, ઉદ્યોગસાહસિકો અને મજૂરો તરીકે અને કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ માટે મુખ્ય ચાલક તરીકે મહિલાઓની ભૂમિકાનું મહત્વ સમજાવે છે. આ ઉદ્યોગ ભારતીય વસ્તીના 60 ટકાથી વધુ લોકોને રોજગારી આપે છે અને દેશની જીડીપીમાં લગભગ 18 ટકા યોગદાન આપે છે. ખરું જોતાં, ઑક્સફેમના સંશોધન અનુસાર ભારતમાં લગભગ 80 ટકા આર્થિક રીતે સક્રિય મહિલાઓ કૃષિ સાથે સંકળાયેલી છે, જેમાં 48 ટકા સ્વ-નિર્ભર ખેડૂતો અને 33 ટકા કૃષિ શ્રમ બળનો સમાવેશ થાય છે.

જો કે, કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રો, જેમ કે ખેતીના સાધનો અને મશીનરી, ખાતર, કીટનાશક, ધિરાણ, માછીમારી, એફએમસીજી, વગેરેમાં મધ્યમ અને વરિષ્ઠ સ્તરના સંચાલકીય હોદ્દા સહિત તમામ સ્તરે મહિલાઓનો હિસ્સો તુલનાત્મક રીતે નજીવો છે.



સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભ



કૃષિ ક્ષેત્રએ ઘણીવાર માળખાકીય પડકારો અને પ્રથાઓ સામે સંઘર્ષ કરવો પડયો છે. આ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લાગુ પડે છે, જ્યાં મહિલાઓની પરંપરાગત ભૂમિકા ગૃહિણી તરીકેની તથા કુટુંબની સારસંભાળની તેમ જ તેમના પુરુષ પાત્રો, કે જેઓ કમાણી કરે છે, તેમને મદદરૂપ થવાની રહી છે. એની સાથે, પુરુષોનું વધુ પ્રભુત્વ હોય ત્યાં મહિલાઓને સ્વીકૃતિ મળવામાં તકલીફ પડી શકે છે અને તેને કારણે મહિલાઓ આ ક્ષેત્રમાં તકો શોધવાનો ઉત્સાહ ગુમાવી દે છે.



આ ઉપરાંત, સંલગ્ન ઉદ્યોગોમાં પણ મહિલાઓને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પછી તે તેમની કારકિર્દીની પસંદગી વિશે હોય કે કંપનીમાં ઉપલા સ્તરે પોતાનું સ્થાન બનાવવાની દિશામાં તેમના પ્રયાસો હોય. વેચાણ, સંશોધન, તબીબી ક્ષેત્ર, ઉત્પાદન જેવા ક્ષેત્રોને પરંપરાગત રીતે પુરુષનું કામ માનવામાં આવે છે. આ પરિસ્થિતિ ગ્રામીણ તરફી ઉદ્યોગોમાં વધુ જોવા મળે છે, જે મહિલાઓની સર્જનાત્મકતા પ્રતિભા અને ઉત્સાહનો લાભ લઈ શક્યા નથી.



પડકારનું સમાધાન



સમયની માંગ અનુસાર, કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં કાર્યરત સંસ્થાઓએ સંગઠનાત્મક મૂલ્યો અને સંસ્કૃતિને અનુરૂપ મહિલા પ્રતિભા શોધવા અને વિકસિત કરવા માટે વ્યૂહાત્મક પહેલ કરવાની જરૂર છે. આને 'હાર્ડવેર' અને 'સોફ્ટવેર' ના સંયોજનથી પ્રાપ્ત કરી શકાય છે. અહીં, 'હાર્ડવેર' નો અર્થ મહિલાઓને અનુકૂળ, આનંદયુક્ત અને સહાયક કાર્ય શૈલી નિર્માણ કરીને તેમજ સમાન તકો પ્રદાન કરતું માળખું તૈયાર કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી સંબંધિત વિશિષ્ટ નીતિઓના સંદર્ભમાં છે. ‘અહીં 'સોફ્ટવેર' નો અર્થ સમાવિષ્ટતા પર તાલીમ દ્વારા, મનમાં સભાનપણે કે અજાણતા રહેલ પૂર્વગ્રહને ઓળખીને અને દૂર કરીને, અને વગેરેના માધ્યમથી વિવિધતા અને સમાવેશને લગતી માનસિકતામાં સ્થિર અને કાયમી બદલાવ લાવવો એમ છે. આ સંસ્થાને કારકિર્દી અંગે સ્ત્રી-પુરુષ માટે પહેલેથી નક્કી કરેલ અપેક્ષાઓ દૂર કરીને કાર્યસ્થળે ખરેખર વૈવિધ્યસભર અને સર્વ સમાવેશી વાતાવરણ બનાવવામાં મદદ કરશે.



વધુમાં, સંગઠનોએ કાર્યસ્થળે સમાવેશી અને વૈવિધ્યસભર વાતાવરણને મજબૂત બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત રીતે પુરૂષોનું હોવાનું માની લેવામાં આવેલા કાર્યો સહિતના તમામ કાર્યો વિશે મહિલાઓને તાલીમ દ્વારા અને કારકિર્દી માટે તૈયાર કરીને સંસ્થામાં તમામ સ્તરે મહિલા પ્રતિભા સંસાધનોનું નિર્માણ કરવાના હેતુથી સભાનપણે અને વ્યૂહાત્મક રીતે કાર્ય કરવાની જરૂર છે.



સંસ્થાઓએ આ માટે પહેલ કરીને લાંબા ગાળાના ધ્યેયો સ્થાપિત કરવાની જરૂર છે, જે મહિલા કર્મચારીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. વધુમાં, સંસ્થાઓ કેન્દ્રિત જૂથ ચર્ચા જેવું, ચર્ચા માટે એક મુક્ત માધ્યમ શરૂ કરી શકે છે જેમાં મહિલા કર્મચારીઓ મુક્ત મને તેમણે સામનો કરવા પડતી સમસ્યાઓ અથવા પડકારો અંગે ચર્ચા કરી શકે છે. કૃષિ ક્ષેત્રની અગ્રણી સંસ્થા કંપની તરીકે એફએમસીએ આ વિષયે વિવિધ વ્યૂહાત્મક પહેલ કરી છે. એફએમસીના મહિલાઓની પહેલનું નેટવર્ક (ડબલ્યુઆઇએન) અને વિવિધતા અને સમાવેશ (ડી અને આઇ) પરિષદ આવા કેટલાક માધ્યમો છે, જે સ્ત્રી-પુરુષ સમાનતા અને જાતિ સમાનતા માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સંસ્થા તેની ઘણી ડી અને આઇ વ્યૂહરચનાઓ દ્વારા 2027 સુધીમાં તમામ પ્રદેશો અને નોકરીના સ્તરોમાં તેના વૈશ્વિક કાર્યબળમાં 50:50 લિંગ અનુપાત સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.



સરકાર પણ મહિલાઓને સશક્ત બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. પાયાના સ્તરે નારી શક્તિ પુરસ્કાર, અને મહિલાઓ માટે તાલીમ અને રોજગાર માટે સહાય કાર્યક્રમ (સ્ટેપ) જેવી શિક્ષણ યોજનાઓ અને તાલીમ અને કૌશલ્ય કાર્યક્રમો ઉપલબ્ધ છે. ખાસ કરીને મહિલાઓ અને ખેડૂત સમુદાય માટે હોય તેવા સ્નાતક કાર્યક્રમો સ્તર-2 અને 3 ના શહેરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. સરકારે કોર્પોરેટ કાર્યસ્થળ માટે, જાતિ સમાનતા અથવા કર્મચારીઓની સંખ્યામાં મહિલાઓની ભાગીદારીને લગતા ચોક્કસ આંકડા આપતા કાર્યબળ સૂચકાંકોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ જેવા સ્પષ્ટ મેટ્રિક્સ સ્થાપિત કર્યા છે.



સમગ્ર કૃષિ ઉદ્યોગમાં સંગઠનોએ મહિલાઓની સફળતાને સ્વીકારવાની અને આ ક્ષેત્રમાં સાહસ કરવાનું વિચારી રહેલી અન્ય મહત્વાકાંક્ષી મહિલાઓ માટે દીવાદાંડી બનવાની પ્રેરણા આપવાની જરૂર છે. મહિલા નેતાઓ અને પ્રભાવકો સંવાદ સાધી શકે અને ભૂતકાળમાં તેમણે કરેલા સંઘર્ષો સામે તેમની જીતની વાતો કરી શકે એવા કાર્યક્રમો એ યુવાન છોકરીઓને તેમની કારકિર્દીનો માર્ગ નક્કી કરવા માટે પ્રેરિત કરવાની કેટલીક રીતો છે.



અન્ય ઉદાહરણોમાંથી શીખવું



અન્ય આસિયાન દેશોમાં પરિસ્થિતિ ખૂબ જ અલગ છે. ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને વિયેટનામમાં, મહિલાઓને કમાણી કરનાર પુરૂષોની સમોવડી તરીકે સ્વીકારવામાં આવે છે અને સમાજમાં તેમની આર્થિક ભાગીદારી પ્રમાણમાં વધારે છે. તેના પરિણામે, મોટાભાગના કૃષિ વ્યવસાયો મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે અથવા નિર્ણય લેવામાં તેમની ભૂમિકા મુખ્ય હોય છે.



વાસ્તવમાં, મોટાભાગના આસિયાન દેશોમાં, તમામ કોર્પોરેટ માળખું પુરુષો અને સ્ત્રીઓ બંનેને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવે છે. મોટાભાગના શહેરોમાં બાળકોની દૈનિક સંભાળ સેવાઓની જેમ જ મહિલાઓ માટે મૂળભૂત આવશ્યક સુવિધાઓ, જેમ કે શૌચાલય, સૌથી દૂરના સ્થળોએ પણ ઉપલબ્ધ હોય છે. મહિલાઓની સુરક્ષા પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે, અને મહિલાઓ શહેરની અંદર તેમજ બહાર જાહેર પરિવહનનો ઉપયોગ કરીને સરળતાથી મુસાફરી કરવા માટે સશક્ત બનાવવામાં આવી રહી છે.



આ સંદર્ભમાં ભારતમાં કૃષિ અને સંલગ્ન વ્યવસાયો તેના પાડોશી દેશોમાંથી પ્રેરણા લઈ શકે છે. અમારી કાર્ય સંસ્કૃતિના માળખામાંથી વધુ સમાવર્તી વાતાવરણ ઉદભવે છે, અને ભવિષ્ય માટે તૈયાર રહેવા માટે મજબૂત અને વિપરીત પરિસ્થિતિઓમાં ટકી રહે તેવી ડી અને આઇ કાર્ય સંસ્કૃતિ હોવી જરૂરી છે.